આવો આવો આમ હે બાળકો તમામ

bookmark

આવો આવો આમ, હે બાળકો તમામ;
આપણે ઉમંગે કરીએ, કાપણીનું કામ.

જો જો પેલી વાદળીઓ, વરસીને ચાલી જાય;
બાર માસનું અનાજ પીરસી, સંપે રહે સદાય.

ખેતર માંહે ઊભરાયો છે, કેવો સુંદર ફાલ!
લણીએ ચાલો ખંત ધરીને, કાં કરીએ સૌ કાલ?

વાંકું દાતરડું લઈ હાથે, ડૂંડાં કાપો આમ;
લઈ ખળામાં ઢગલો કરતાં, રાખો હૈયે હામ.

અનાજની લણણી પૂરી થઈ, કાપો સર્વે ઘાસ;
ચાર ઘાસની કોળી લઈને, મૂકો સૌ આ પાસ.

પૂળા કરી ગાડામાં નાખી, પૂરું કરીએ કામ;
ઘેર જઈ વાળુ કરી સર્વે, લો ઈશ્વરનું નામ.

(રાગ ભૈરવી)

આવો બાળકો આ વાર, દીસે જો ખળાં તૈયાર;
ડૂંડાંમાં રહેલું અનાજ, ચાલો છૂટું કરીએ આજ.

બળદો ગોળ ફરતાં જેમ, ફરીએ આપણે સૌ તેમ,
ડૂંડાં જો સરસ પિલાય, છૂટા કણ તરત તો થાય.

ભરીએ ટોપલામાં આમ, ઊપણીએ અનાજ તમામ;
ડૂંસાં ઊડી જો! જો! જાય, નીચે કણ બધા વેરાય.

લઈએ કોથળાઓ સાથ, ભરીએ આમ હાથોહાથ;
કરીએ ખેડૂતનું કાજ, મહેનતનું મળે ફળ આજ.