છેટે છેટે ખોરડાં
છેટે છેટે ખોરડાં, વચ્ચે ઊંચા ઓરડાં
ઓરડાં ને ઓસરી
રૂપાળી રૂપાળી આજુબાજુ જાળી
જાળી પાસે ઝાડવા, તડકે છાયો પાડવા
ઓસરીથી હેઠા, લોઢાના બે લાટા, એનું નામ પાટા
સ્થિર છતાં પણ ચાલ્યા જાય
લાંબા લાંબા ચાલ્યા જાય
આમ જાય, તેમ જાય
જવું હોય તો ગામ જાય
નદી હોય તો ટપી જાય
ડુંગર હોય તો ઓળંગી જાય
એના પર ગાડી, દોડે દા’ડી દા’ડી
આવે દોડતી કાળી, અરરરર માડી
કેટલી બધી જાડી
જાણે કોઠી આડી
પૈડાં ઉપર પાડી
માથે મોટું ભૂંગળ બોલે ભખ ભખ
ધુમાડો તો ધખ ધખ
ચળકે કાચ ચક ચક
ચાલી આવે સરરરર સટ
આવીને જ્યાં ઊભી રહે ત્યાં
માણસોના ટોળે … ટોળાં
ચડે ને ઉતરે…ચડે ને ઉતરે
વળી પાછો પાવો થાય
ભખ છૂક છૂક થાય
ગાડી ત્યાં તો ચાલી જાય
ગાડી ત્યાં તો ચાલી જાય
એ જાય, એ જાય, એ જાય, એ જાય
લાંબુ લાંબુ લંગર ને જંગલમાં મંગલ
ફરતું ફરતું ચાલ્યું જાય
સાંભળ્યું તેં બહેન, એનું નામ ટ્રેન!
